પોતાના માટે

Posted on Updated on


જેને તમે પોતાના માનો છો એમના માટે..
ઘણીવાર ખોટી કે નેગેટીવ વાતોની વચ્ચે આપડે કેટલી બધી સારી વાતોને ભૂલી જઈએ છીએ. અને અંતે ખરાબ લાગેલું કે બોલેલું જ યાદ આવે છે, એનાં કરતાં સારું વાગોળીને આનંદ લેવો શું ખોટો?!
-ધારાભટ્ટ-યેવલે

Advertisements

માય ફાધર ધ બેસ્ટ

Posted on Updated on


માય ફાધર ધ બેસ્ટ
પપ્પા તમારી સાથે રોજ વાત નથી થતી પણ,હું તમને રોજ જ યાદ કરું છું. પોઝીટીવ રહેવું, પ્રયત્ન ન છોડવા, અને કોઈ પણ પરિસ્થિતિઓમાં એકદમથી હાર ન માનવી એ મે તમારાથી જ કદાચ જાણ્યું છે. લગ્ન પછી મે ટ્રાઈ કરી છે કે મારા પ્રશ્નો હું જાતે જ સોલ્વ કરું. અને એમાં હું સફળ પણ રહી છું. તમને કોઈ વાર કોઈ વાત ન કહી હોય તો તમને ક્ષણીક ખોટું પણ લાગ્યું હશે એ હું જાણું છું, પણ પછી તમે તરત જ મારા કહ્યા વગર વાતને સમજી શકો છો એનો મને ખૂબ આનંદ છે. ઘણીવાર મારે કે તુષારને તમારી હાજરીની જરૂર પડી છે અને તે વખતે અમને મળેલી મદદ માટે અમે તમારા રુણી છીએ. મને કોઈવાર હરિહર વધારે લકી લાગતો હોય છે ..કા.કે તમે બન્ને એની સાથે સતત રહો છો અને એને ખૂબ ચાહો છો. બીજી બાજુ એની મને એટલી જ ખુશી પણ છે.

તમારી હજી એક ખૂબી છે જે આજે હું બધા સાથે શેર પણ કરવા માંગું છું. તમે જમવાનું પણ ખૂબ સરસ બનાવો છો. અને એ પણ ફૂલ ઈન્ટરેસ્ટ સાથે! તમે કેટલીએ વાર અમને નાનપણમાં ફૂલડીશ જમાડ્યા છે! ઘણીવાર જમવા વિશેની અને ભારતનાં અલગ અલગ પ્રાંતની વાનગીઓ વિશે મે તમારા પાસેથી જ સૌથી વધારે સાંભળેલું છે! સંજીવ કપૂરને લોકોએ બહુ મોડા જોયા હશે ટીવીપર, એ પહેલા મારા માટે તો આપણા ઘરનાં સેલિબ્રિટી શેફ દાદા(કાકા)અને તમે જ હતા! માટે સંજીવ કપૂરને જોઈને મને તમારી યાદ આવે એવું બન્યું છે! હજી બે વર્ષ પહેલાં જ તમે મારે ધેર આવેલા ત્યારે એક દિવસ ઢોકળીનાં શાકની વાત નિકળી અને તમે તરત જ બનાવાનું મન બતાવી અને ફટાફટ ૧૦-૧૫ જણાની કાઠિયાવાડી ઢોકળી બનાવી આપેલી! તમારા હાથની ઢોકળીનું શાક ખાધા પછી કોઈ પણ હોટેલનું ઢોકળીનું શાક ના ભાવે! અને હજી ગયા વર્ષની વાત કરું તો..અમે સવારથી સાંજ જ આવેલા સુ.નગર, અને તમને ખબર છે કે અમે વર્ષે એક-બે વાર જ સુ.નગર આવી શકીએ છીએ માટે તમે લગભગ જમાડીને જ મોકલો. તો ગયા વર્ષે જ્યારે અમે જમવા બેઠા તો મારા ફેવરીટ ભરેલા મરચાંનાં ભજીયા અને બીજા મીક્સ ભજીયા જોઈને હું ખુશ થઈ ગયેલી. ત્યારે બધા એ મને કહેલું કે, મમ્મી અને ભાભી એ મળીને લાડું,દાળ,ભાત,શાક,રોટલી બનાવી લીધા પછી, પપ્પાએ ભજીયા બનાવેલા! કા.કે મને બહુ ભાવે! તમને પણ બહુ ભાવે છે એ મને ખબર છે, સમય અનુસાર ઓછો જમો છો એ અલગ વાત છે. થેન્ક યુ પપ્પા ફોર બીઈંગ કાઈન્ડ એન્ડ લવીંગ. આ જમાનામાં પાણીનું પૂછવાવાળા પણ પૂજાય છે, ત્યારે ઘરનું જમવાનું એ તો ઠાકોરજીનાં થાળ સમાન જ લાગે! બધુ જ સારું લાગે માણસને જો એમાં પ્રેમ રેડવામાં આવે! અને આવી જ સારી યાદોંને અમે કાયમ યાદ રાખીશું!
તમે હંમેશા અમને આર્શીવાદ આપતા રહો, અને તમારું સ્વાસ્થય સારું રહે બસ એજ મારી હંમેશા પ્રાર્થના!🙏
મારા સ્વભાવ પ્રમાણે તમને એ સોંગ ડેડિકેટ કરું છું:
નગ્મે હૈં, શીકવે હૈં,
કીસ્સે હૈં, બાતેં હૈં,
બાતેં ભૂલ જાતી હૈં, યાદેં યાદ આતી હૈં!

તમારી દીકરી
-ધારા
#ફાધર્સ ડે અર્લી પોસ્ટ(તમારો કોઈ વાનગી બનાવતો પિક નથી મારી પાસે નહીં તો અપલોડ કરત)

પોતાનું ત્રાજવું

Posted on


સતત બીજાનાં ત્રાજવે તોલાવા કરતાં
પોતાનું જ એક ત્રાજવું બનાવી લેવું.

-ધારાભટ્ટ-યેવલે

ફૂડ ઈઝ ગોડ્સ ગીફ્ટ

Posted on Updated on


હું બેઠા બેઠા પણ ખાસ્સું એવું ટ્રાવેલ કરી લઉં.. હહાહા..સાચ્ચે..જોવોને આજે બપોરે બેઠી’તી તો મને ‘અવની’ની યાદ આવી..(ના ના એ મારી બહેનપણી નહીં! ) રમઝાનનાં સંદર્ભે પણ ..મને કદાચ એ યાદ આવ્યા હોય!! અમે જ્યારે જોર્ડન ફરવા ગયેલા ત્યારે અવની એ અમારા ગાઈડ હતા. સાઉદીની બોર્ડર ક્રોસ કરીને જોર્ડનમાં પ્રવેશતા સૌથી પહેલું સુંદર શહેર આવે છે ‘અકાબા’. અમે અમારી પોતાની કાર લઈને ગયેલા અહીંથી. અકાબા પહોંચતા જ અમે અમારા ગાઈડ અવનીને મળેલા. સાંજ પડવા આવેલી અને અમારે સમય વેડફ્યા વગર આગળ નીકળવાનું હતું. માટે અમે એમને અમારી કારમાં લઈ પેટ્રા તરફ રવાના થયા. આગળ કોઈ સ્ટોપ લેવાનું ન હતું માટે એમને અમે પૂછ્યું જો એમને કંઈ ખાવા પીવા માટે જોઈતું હોય તો?! એમણે કહ્યું કે, એમને રોઝુ છે માટે કંઈ ખાવું પીવું નથી..પણ અમારે જોઈતું હોય તો અમે ખરીદી લઈ શકીએ છીએ. અમારી પાસે થેપલા, સુખડી ને ચવાણું હતું માટે અમે પણ કહ્યું કે, ના, આપડે આગળનો પ્રવાસ શરુ કરીએ અમારી પાસે ડ્રાય સ્નેક્સ છે. તો આમ અમે આગળનો પ્રવાસ શરુ કર્યો. કાર આગળ ડેસ્ટીનેશન તરફ વધી રહી હતી. સૂર્યાસ્ત થતાં અવની એ પાણી માંગ્યું સાથે થોડાં કેળા હતા એમાંથી એક કેળું એમણે ખાધું. અમે પણ થોડો નાશ્તો કાઢ્યો. ચા અને થેપલા કાઢ્યા. મને થયું અવની એમના રોઝાનાં સમયે કોઈનું ઓફર કરેલું ખાતા હશે કે કેમ?! એટલે મેં એમને પૂછ્યું! અને એમણે મને ઉત્તર આપેલો, ‘ફૂડ ઈઝ ગોડ્સ ગીફ્ટ!!’ કેવી સુંદર વાત!! મે રામ રામ કહેતા થેપલા બનાવ્યા હશે અને એમણે અલ્લાહ અલ્લાહ કહીને આરોગ્યા હતા. મારી પાસે બે પ્રકારનાં થેપલા હતા..તો મે એમને એક થેપલું આપ્યું. એ સમજીને કે પહેલાં ટેસ્ટ કરે અને ભાવે તો વધારે લે. અવની એ થેપલું ખાઈ તો લીધું પણ મોં લાલ લાલ અને અડધી બોટલ પાણીનું પી ગયા હશે!! એમનું મોં જોઈને મે એમને પૂછ્યું કે, કેવું છે?! તો કહે, નાઈસ, બટ સ્પાઈસી! એટલે મે એમને બીજું મોળું થેપલું આપ્યું સાથે ચાનો બીજો કપ પણ ભરી આપ્યો. આ વખતે એમણે ફરી થેપલું માંગ્યું અને ખાધું. બીજે દિવસે પણ માંગીને ખાધેલું.
આ કિસ્સામાં મજાની વાત મને એ વિચારીને લાગે છે કે..અજાણી વ્યક્તિ અવની, એને મળવાનું થાય, એને રોઝુ હોય, એ થેપલું ખાય..આ બધું તો થયું પણ નક્કી એણે કોઈ સમયે અમને થેપલું ખવડાવેલું હોવું જોઈએ..અને એમ નહીં તો અમારે હજુ પાછા ક્યારેક..કોઈક સમયે એનાં થેપલા ખાવાના છે..🤗!!
-ધારાભટ્ટ-યેવલે

MayMoon..

Posted on

Beatifull moon..

લાલ રંગ-એક નાનકડી વાત

Posted on

લાલ રંગ-એક નાનકડી વાત..

૧૨-૧૩ વર્ષની જીગુ એની માઁ સાથે આવે. સ્કૂલ પતાવી દફ્તર હાથમાં લઈ એ સીધી જ આવતી. એની માઁ ઘરનું બધું જ કામ કરે. એ પણ થોડી મદદ કરે. એ વાસણ વીંછળી આપે, કપડા દોરીએ સૂકવી આપે. પછી બન્ને ધેર જાય. હું કોઈવાર એના ધર પાસેથી નીકળું તો એ એની ઉંમરનાં બાળકો સાથે રમતી હોય. કૂદકા મારતી, ઠેકડા ભરતી!

પણ અચાનક જાણે બધું બદલાઈ ગયું!! એ કોઈવાર ઉદાસ દેખાતી..ધીરે ધીરે એનું કૂદકા ભૂસકા મારવાનું બંધ થઈ ગયું!

ઘરનાં ઉંબરે ઉભી ઉભી એ પોતાનાં મિત્રો- સખીઓને મેદાનમાં રમતા જોતી.ખાલી સમયમાં એ ગીતો ગુનગુનાવતી, ઉંબરે બેસીને તોરણો ગૂંથતા અને ચાકળાનું ભરતકામ કરતા નજરે પડતી. એના દરેક ભરત ગૂંથણનાં કામમાં લાલ રંગનું પ્રાધાન્ય સ્પષ્ઠ નજરે પડતું!!

-ધારાભટ્ટ-યેવલે

ઓળખું છું તને?!

Posted on Updated on


હું ઓળખું છું તને પણ, તું જો મને ઓળખી જઈશ તો?!
સમય બદલાયો છે..એવું કહેવાય છે..પણ ખરેખર એવું જો હોય તો.. તો તો સારું જ..પણ મને અનેક પ્રશ્રોં ઉઠે છે..એમાંનો એક કે, શું એક મહિલા બીજી મહિલાની સારી મિત્ર થઈ શકે?!
અસંખ્ય મહિલાઓનાં ચહેરાઓ મારી નજર સામે આવે છે..અને એમાં મને કોઈક સ્પષ્ટ તો કોઈક આછા.. એવાં ચહેરા અને ચહેરા પાછળનાં ચહેરાં દેખાય છે..
દુખનાં,દર્દનાં,દુભાયેલા,દોષી,કચડાયેલાં,ઢોંગનાં,ધિક્કારનાં,શ્રાપનાં,ડંખના,ક્રોધનાં,ચિડેલા,કાયરતાનાં,ઘૂટણનાં,વિવશતાનાં,વિચિત્ર,ઉદાસ, એકલતાનાં,
પરતંત્રતાનાં,લોભ-લાલચનાં, લુચ્ચાઈનાં,છેતરનારા,અહમનાં,અભિમાનનાં,કટુતાનાં,કડવાહટનાં,પીડાનાં,શરમનાં,રોગી,ગરીબ,સમય અનુસાર રંગ બદલતાં, વિદ્રોહનાં,સપ્તરંગી ઈંદ્રધનુષી,આશ્ચર્યોનાં,પ્રશ્નાંર્થનાં,
સુખનાં,
ખુશીનાં,સંતોષનાં,નાચતાઝૂમતા,સ્વતંત્રતાનાં,સંસ્કૃૃૃૃૃૃૃતિનાં,પીઢ,મમતાભર્યા,માન-સમ્માનનાં,શૌર્યનાં,હિંમતનાં,બળકટ,ધૈર્યનાં,બિન્દાસ્ત ચિંતા વગરનાં,પ્રેરક,ચંચળતાભર્યા,ઐશ્વરી-દૈવી,આજ્ઞાકારી,પાવન પ્રેમનાં,પ્રાચશ્ચિતનાં,પરોપકારનાં,દયાની મૂરત સમાન,ભોળા,મહાન,સંપૂર્ણ,અને વૈરાગી.

અલગ સાવ અલગ આ ચહેરાઓ અને છતાં એક..

આ બધા સાથે ક્યાંક મારો ચહેરો પણ છે!! કોઈવાર કોઈ ચહેરા સાથે, કોઈવાર સાવ નજીક, કોઈવાર કોઈથી દૂર, કોઈવાર બધા સાથે અને ઘણીવાર પોતાનાંમાં-મારી અંદર.

-ધારા ભટ્ટ-યેવલે