એમ્પ્ટીનેસ

Posted on

🕉
અહીં મને સૌથી પ્રિય જો કાંઈ લાગતું હોય તો એ છે અહીંનું રણ. એક અલગ જ સુખ શાંતિ મળે ત્યાં. એમ થાય બેસી જ રહીએ. દુનિયામાં એવી બહુ ઓછી જગ્યાઓ છે જ્યાં જતા, પહોંચ્યા પછી, અને પાછા ફરી ને પણ સારું લાગે. એમાંની જ એક જગ્યાઓમાંની એક એટલે.. અહીંનું રણ. એકલા જાવ તો જાણે નિજાનંદનો આનંદ અને મિત્ર પરિવાર સાથે જાવ તો અનોખું સુખ. છેલ્લે બે વર્ષથી તો જવાયું નહતું. પણ હમણાં થોડી મોકળાશ મળતાં જવાયું હતું. રણમાં ફરવાનાં અમે જાણકાર તો નથી પણ અમારી એક-બે નિર્ધારીત જગ્યાઓ છે. ત્યાં જઈ આવીએ. દૂર દૂર સુધી જ્યાં નજર દોડાવીએ ત્યાં સુધી મોટા નાના રેતનાં પથરાળ પહાડો. ડ્યુન્સ ચઢવાની તૈયારી કરીને ગયા હો કે પછી ખાલી રેતીનાં પહાડનાં ચરણે બેસી જવા ગયા હોઈએ.. આ અહીંનું રણ સદાય અપાર શાંતિ પ્રદાન કરે છે. એને ચુપચાપ સાંભળવાથી લાગે જાણે સતત દુઆઓ વરસે છે. યુ ફીલ બ્લેસ્ડ આફટર અ વ્હાઈલ. દૂરથી સાવ ખાલી લાગે પણ એની અંદર પ્રવેશતા જ પરમાનંદનો આનંદ. ત્યાં જઈએ એટલે ન કોઈ મોજમજાનાં સાધનો, ન કોઈ દૂર દૂર સુધી ખાણી પીણીની વ્યવસ્થા.. જરૂરતની જે જોઈએ એ વસ્તુઓ સાથે લઈ જવાની.. અને આમ હોવાં છતાં જો એ આપણને આકર્ષે તો..એમાં એવું કોઈક તો તત્વ હશે જ ને?!
રણમાં જવા માટે રણનાં નિયમો પણ પાળવા પડે. તો એનો આનંદ લઈ શકાય. ત્યાં જતા પહેરવેશ મને (આ મારો અભિપ્રાય છે) લોકલ ગમે..નહીં તો ફૂલ કવર્ડ ડ્રેસ.. (હા, ફોટોઝ માટે થોડી વાર મોકળા થઈ શકાય)કારણ કે રણની રેત અત્યંત બારીક હોય છે.. સહેજ પવન આવતા જ નાક કાન આઁખ વાળ ભરાઈ જાય.. માટે આઁખ પર ચશમા કે ગોગલ, મોઢે માસ્ક, કાન અને વાળ પોતાની રીતે કવર્ડ રાખીએ તો વાંધો નઆવે. પછી આમ ન કરતા ..જગ્યાને દોષ દેવા કરતા આપણે થોડી તૈયારી કરીને જઈએ તો લ્હાવો લઈ શકીએ.
હું જ્યારે જ્યારે ત્યાંગઈ છું ત્યારે એનો થોડો ખાલીપો આશી્રવાદરૂપે લઈ આવી છું એવું મને લાગ્યું છે.
આ રણનો પોતે પોતાનો માંગેલો ખાલીપો છે એવું મને ભાસ થાય છે. અને જાતે માંગેલું ખાલીપણું એ એને કોઈ સન્યાસી કે સૂફી સંતનાં જેવું વરદાન સમાન શોભે છે. આવવા જવા વાળાને આનંદ પ્રદાન કરે છે.
અને માટે મને અહીંનું રણ ખૂબ ગમે છે..

મને લાગે છે કે.. એનું ખાલીપણું જ એની આગવી ઓળખ છે .. એની વિશેષતા છે. ❤️
What makes it special is it’s ..
emptiness. ❤️

-મદીના પ્રોવીન્સ, સાઉદી અરેબીયા.
-ધારાભટ્ટ-યેવલે

Leave a comment