ચાની ચાહ

ચાની ચાહ

Posted on


આજે ‘ચા’નો દિવસ. માટે એને આજે જણાવવું જ જોઈએ કે એનું સ્થાન મારા/અમારા જીવનમાં કેટલું છે. હું મારી જાતને નાઈન્ટીઝનું કીડ એમ પણ એક પ્રકારે વધારે સારી રીતે ઓળખાવી શકું. 90’sમાં રસના, કોકાકોલા અને પેપ્સીએ હજૂતો ઘર માંડેલું જ હતુ અને ચા કોફી અને લીંબુ શરબતનાં ઘરોઘર બોલબાલા હતા. ત્યાં ચાનું ઘર તો દાયકાઓથી મજામાં ચાલતું હતુ.
કોઈ ઘરે આવે એટલે “ચાનું તે કાંઈ પૂછવાનું હોય ?!” એવો ચાનો દબદબો હતો. એનું આમ રહેવું જ ખાસ હતું. કોઈને મળવા જઈએ કે કોઈ ઘેર આવે, દિવસ હોય કે રાત, સારો પ્રસંગ હોય કે નરસો, કોઈને મનનાવવાનાં હોય કે કનડવાના, ચાની હાજરી જરૂરી બનતી. પ્રસંગોપાત અને સમયઅનુસાર તથા સમયમર્યાદા પ્રમાણે ચા સાથેનાં નાશ્તા પણ પીરસાય. એમાંનાં અમૂક ખાસ મને યાદ છે ચા અનેબિસ્કીટ(ખારી, મોનેકો, પારલેજી ) ,ચા અને થેપલા,ભાખરી,પૂરી,કડકપૂરી,મઠરી, ઢેબરા,ચા અને ખાખરા,વણેલાગાંઠિયા,ફાફડા,ભાખરવડી, ચા અને હાંડવો, ઢોકળા અને ખાંડવી. અને આવું તો ઘણું બધું. હજૂય આ બધું જ ખવાય જ છે પણ હવે ચાનું સ્થાન અને સમય બન્ને બદલાણા છે. ખેર, બદલાવ એ જ નિરંતર છે એવું કહેવાય છે પણ આ બદલાતા સમયમાં પણ મને/અમને જો કાંઈ સતત મળ્યું હોય તો એ છે ‘ચા.’ મને કોઈ પૂછે કે,’તારું મિત્ર કોણ ?’ તો હું નિશ્ફીકર બનીને કહી શકું કે, ‘ચા’. જેમ મોરારી બાપુ રામજીને સંબોધીનેસુફી,અલગારી,રોમેન્ટીક,સ્પીરીચ્યુઅલ,ગઝલ કે કોઈ પણ પ્રકારનું સંગીત અર્પણ કરી શકે એમ જ હું પણ બાપૂની પ્રરણાથી ચાને કોઈપણ સંગીત કે ભાવના અર્પણ કરી શકું.

પણ જેમ કોઈ મૂવીમાં ટ્વીસ્ટ આવે એમ મારી ચા અને મારી વચ્ચે અચાનક બોલાચાલી બંધ થઈ ગઈ. ચા પ્રત્યે ખૂબ જ પ્રેમ..પણ ખબર નહીં કેમ ..ચા આવેને મોં બગડે. ચાનું નામ સાંભળતા ઉબકા આવે. મારે ચા પીવી છે પીવી છે પણ પીવાતી જ નથી! થયું..”ચા માડી તું કાં આમ મારાથી રૂઠી?!” મારી ભૂલચૂક માફ કર.. પણ આમ ઉંધી થઈ કાં બેઠી?! 😄ત્યાં સુધી હું વિચારે ચડી કે..કોઈની મને અને મારી ચાને નજર તો નહીં લાગી હોય ને?! 😄 પણ પછી થયું..આમ કેમ ચાલે?! ઉપાય તો શોધવો પડે..અને 3idiots filmમાં જેમ આવે છેને સોન્ગ..જાને નહીં દેંગે તુઝે..એમ એ ગણગણતા..ગઈ ડોક્ટર પાસે. ડોક્ટરને કીધું “એક જ તકલીફ છે..ચા અફખે પડી છે..શું કરું?!” ડોક્ટરેય બે ઘડી મલકાણા..મે કહ્યું..”ડોક્ટર કેન્સર જેવી પીડા છે” લાગે છે “મારી ચાને ગાંઠ થઈ છે!” પણ ચાની અહેમીયત આ દેશનાં ડોક્ટર ન સમજે તો કોણ સમજી શકે?! એટલે કહે, ‘ચિંતા ન કરો..તમે ચા પી શકો એવું આપણે કરી દઈએ.’ અન સાચે જ એ પછી ૧ મહીને મારી ચા મને ફરી મળી! એ જ અંદાજે, એજ એટીટ્યુડ સાથે ..હંસાની જેમ..સેમ ટુ સેમ,ભઈસાઆઆબ! 🙏🏻😄
પણ એ સમયે અને ચાની સાથેનાં અનબન વાળા વખતે મને ધીરજ નામના ગુણને વિકસાવવાની આદત મળી. અને એ સમજણ પણ કે..કોઈ આદતને એટલી હદે ન લઈ જવી કે એ કુટેવ બની જાય. ચાને પ્રેમ કરવો પણ બંધન બનાવવાની ટેવ ન પાડવી. આમાં પણ બાપૂની જ વાત..કે મુક્ત મને વિચારો. દિવસમાં એક કે બે વાર પીવાની..બાકી મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક. અને કોફી, શરબત, સૂપ પણ ટ્રાય કરાય. 😄
બસ, તો આમ મને મારી ચા ખોવાય ગયા પછી ફરી મળી.
સૌને “આંતરરાષ્ર્ટીય ચા દિવસની” શુભેચ્છા. સૌ ચામય રહો અને ચાનું કલ્યાણ થાઓ એવી મનોકામના. 😄સાથે સાથે ચાની લારીઓ ટપરીઓ દુકાનો નવા આઉટલેટ્સ જલ્દી કોરોનાને માત દઈને ખૂલે તેવી આશા.
ચા સાથેનાં સંવાદમાં એકવાર
એણે મને કહેલું..’ધારા, અડધું ઈન્ડિયા અને એનું મગજ, એનો ગુસ્સો, તિરસ્કાર, ભૂખ, પ્રેમ, પ્રસંગો, સંબંધો મેં જ સાચવ્યા છે!’ અને મેં કહ્યું હતુ,’વાત.. તો સાચી છે તારી!’😄
સૌને સૌની ચા ફળે.🙏🏻

-ધારાભટ્ટ-યેવલે