જૂની વાતો આદતો

માળિયુ

Posted on Updated on

આપણા જીવનની એવી ઘણી વાતો, નિયમો,પરિવારની પોતાની આદતો હોય છે જેને પુનઃપુનઃ યાદકરવાનું સંઘરવાનું અને પેઢી દર પેઢી ખરેખર આગળ સોંપવાનું પુણ્ય કરવા જેવું મને લાગે છે. જો સંજોગ વસાત આવી વોતો કે આદતો જો માળિયે નંખાઈ ગઈ હોય કે પછી અભેરાઈએ ચડાવાઈ ગઈ હોય તો…આપણા આ તહેવારો એ એવો સમય છે કે પિત્તળ કે તાંબાનાં વાસણો જેવી વાતો કે આદતોને ફરી વાપરમાં લાવીએ. નાનપણમાં આપણે એવું ધણું અનુસરતા જે સમય જતા અજાણે જ માળિયે મૂકાઈ ગયુ છે. એવી જ એક આદતની હું વાત કરું. નાનાથી મોટા થ્યા એ સમયમાં અમને દાદા દાદીએ શીખવેલું કે ઘરપરિવારમાં, મિત્રોમાં, કુટુંબમાં, પોતાનું કે પોતાના પ્રિયજનોમાંનું કે પછી દેશનું કોઈનું, કંઈ પણ સારું થાય કે કાંઈ સારું થવાનું હોય કે પછી કોઈ પરિક્ષા હોય કે કોઈ પરિક્ષાનો સમય હોય..આપણે એક દિવો પ્રગટાવવો. કારણકે દિવો એ કોઈપણ પરિસ્થિતિમાં આજનું તો અંધારુ હણશે જ પણ ગઈકાલનું અંધારું પણ હણી લેશે અને આવતી કાલનાં અજવાળા તરફ આંગળી પણ ચીંધશે. માટે તહેવારો કે નિરાશાની ઘડીઓ ઉપરાંત પણ એક દિવો પ્રગટાવવો  જે પોતાની અને પોતાનાંઓની આશનો, ખુશીનો પ્રતિક હોય. તો આવી અમુક પળોમાં અમે દિવો પ્રગટાવતા, ઘરમાં કંઈક ગળ્યુ બનતું અને સૌ સાથે મળીને પ્રકાશની એ સ્પેશ્યલ પળોને માણતા. એ રીતે ડીપલી વિચારીએ તો આપણે અંદરની ખુશીની એનર્જીને વહેંચતા જેની આભા આપણી આસપાસનાં વાતાવરણને પણ દૈદિપ્ત્યમાન કરી દેતી. ઈન અ વે, ખુશી બમણી બનીને તમારી સામે દીપે. આમ એ પોતાનો પ્રકાશપર્વ બની જતો. 

છેલ્લા પાંચેક વર્ષથી મેં ફરી આ માળિયે ચડાવેલી આદતો, વાતોને નીચે ઉતારીને વપરાશમાં લીધી છે. બોલો, છે ને જૂની પણ સ્વાસ્થવર્ધક વાત.  

જે દિવસે મન, હ્રદય અને આત્મામાં આનંદ ઉછળે ખુશી હીલોળા લે અને એ અંદરની ખુશીને દર્શાવતું પ્રતિક મનની બહાર સ્વરૂપ લે ત્યારે એક દિવો પ્રગટાવવો. એવો જ એક દિવસ હતો જ્યારે રામનું આગમન ફરી અયોધ્યામાં થયેલું અને એ દિવસે સૌએ મળીને દીવા પ્રગટાવેલા. મનમાં ઉમડતો પ્રકાશ બહાર પણ છલક્યો. આમ એ પ્રકાશની ઘડીનો પડધો કેટલો પ્રબળ હશે કે આજેય આટલા વર્ષો પછી યુગોને પાર પણ સૌની યાદોમાં અકબંધ છે.  કોઈ મનનાં ભાવ, ખુશી, ઉમંગ કે અનહદ આનંદ જ્યારે હિલોળા લે ત્યારે ત્યારે દિવો પ્રગટાવવો એવું મને થાય. આવનારા દિવાળીનાં દિવસો એ રામજીનાં આગમનને યાદ કરીને આપણે ઉજવીએ છીએ. હું પણ મારા પરિવાર સહિત ઘરમાં ઉજવીશ, પણ મારી પોતાની દિવાળી એ  દિવસે હોય છે જે દિવસે મારા મનનાં કોઈ ખુશીનાં ભાવ ખીલે, મારું પોતાનું કોઈ ખુશ હોય,મનગમતા માણસોનું આગમન થાય, અને નાનીનાની વાતોનો મોટો આનંદ હોય. આ પોતાની દિવાળી અને પ્રકાશપર્વ સદાય સાથે હશે તો બીજાની દિવાળીની ઉજવણીમાં પણ આર્શીવાદ અને આનંદની મીઠી આપ લે શક્ય બનશે અને મારા જ નહીં બીજાનાં આંગણામાં પણ એક દિવો પ્રગટાવી શકવામાં મદદરૂપ બનશું.

બધાને હેપી ફેસ્ટીવલ ટાઈમ. આવનારા દિવસો સૌને ફળદાયી નિવડે અને સૌની દિવાળી ઉજળી હો એવી જ પ્રભુપ્રાર્થના.
-ધારાભટ્ટ-યેવલે