સાપ

શ્રાવણનાં તહેવારોની આસપાસ

Posted on Updated on

મને આપણા દરેક તહેવાર ગમે છે. તહેવારનાં દરેક દિવસમાં વિવિધતા તો છે જ પણ સાથે સાથે જનજીવનને પણ એટલી જ સુંદરતા સાથે વણી લેવામાં આવ્યું છે. શ્રાવણ માસ આવતા જ એક પ્રકારે આપણે સૌ ઉત્સાહીત થઈ જતા હોઈએ. એનું કારણ છે આ માસમાં અનેક દિવસો તહેવાર સ્વરૂપે આપણે માણીએ છીએ. મેળા, મેળ-મિલાપ, ખાણી પીણી, નવાં કપડા, ઘરેણાં, સાજ સજ્જા,  કે પછી પૂજાપાઠ દરેકમાં આપણાં આ તહેવારોનો ઉત્સાહ દેખાશે. અને આ બધા જ તહેવારોની ખાસીયત છે કે એ સમજી વિચારીને સમય,દેશ,કાળ,જગ્ય અનુસાર ઘડવામાં આવેલા અનેપછીથી મનાવવામાં આવે છે. તેની સાથે સાથે રોચક કથાઓ પણ કાળ અનુસાર વહેતી થઈ જેમાં એ સમય અને જગ્યાઓને તે સમયનાંપ્રશ્નો અને નિવારણનુંપણદર્શન થાય.મોટે ભાગે આ કથાઓમાં ગ્રામ્યજીવનની જ વાત હોય છે. શહેરો હજૂ હવે છેક આ સદીમાં બન્યા. એટલે જ આપણે કોઈને મળીએ ત્યારે ‘મૂળ ક્યાંનાં’ એમ એક બીજાને પૂછીએ છીએ.  હજુ હમણાં જ નાગપંચમી ગઈ. મહારાષ્ર્ટમાં ૨૫જૂલાઈએ મનાવવામાં આવી. ગુજરાતમાં બે દિવસ પહેલાં. તો અમે ઘરમાં વાત કરતા હતા..કે આ તહેવારમાં શું કરવાનું અને શું નહીં? અને એ બધું કેમ નહીં કરવાનું અથવા એ નિયમોની  પાછળ શું કારણ હોઈ શકે?! પછી સાતમ આઠમની પણ વાત નીકળી. નાગપંચમીએ આપણે નાગદેવતાની પૂજા કરીએ. ચૂલો ન પેટાવવો કે વરસાદ પહેલા ખેડૂતોએ ખેતર ખેડીને રાખવું એવા નિયમો બનાવેલા. કારણકે આ સમયે જમીનમાં વરસાદનું પાણી જતા જમીનમાં રહેતા જીવજંતુઓ ખાસ કરીને સાપને પોતાના બીલ કે રાફડામાંથી બહાર આવવું પડે છે. બહાર આવીને એ સુરક્ષીત જગ્યા શોધીને ત્યાં લપાઈને પડ્યા રહે છે. પણ આ સ્થળાંતરની પ્રક્રીયા દરમ્યાન એ ખેતરોથી પસાર થાય છે અને એ સમયે જો ત્યાં ખેડૂત ખેતર પર કામ કરતો હોય તો બની શકે એનાંથી એક જીવની હત્યા થાય, નહીં તો સાપ પોતાને બચાવવામાં ખેડૂત પર હુમલો કરે તો ખૂડૂતનો જીવ જોખમમાં મૂકાય..માટેય વરસાદ પહેલાં ખેતર ખેડી લેવું એવું કહેવાયું છે. અને ઘરમાં ચૂલો ન પેટાવવા પાછળ પણ એવું જ એક કારણ હોઈ શકે કે મોટે ભાગે રસોડા ખૂલ્લા જ રહેતા. અને ચૂલો કે સગડી જમીન પર. તો ધારો કે કોઈ સાપ આસપાસ હોય તો એને અચાનક જોઈને રાંધતું માણસ ગભરામણમાં કોઈ આગ, અકસ્માત કે દાઝવામાં ન સપડાય જાય અથવા કોઈ નાગ જમીન પરનાં ચૂલાની આગથી બળી કે દાઝી ન જાય. હવે તો ઉભા પ્લેટફોર્મ આવી ગયા છે. અને અધ્યતન શહેરો. પણ આપણો એશીં ટકા વર્ગ ગામડામાં જ વસે છે. અને ત્યાં હજૂયે આ નિયમો પાળતા હોય છે. સાવચેતીથી રહેવાનું, અને દરેક જીવનો આદર કરવાનો એ તો આપણી કથાઓમાં કહેવાયું છે. બીજું મને લાગે છે કદાચ એવું પણ હશે કે નાગપાંચમે નાગદેવતાની પૂજા કરી સ્રીઓ પોતાના ઘર પરિવારનાં પુરુષો અને બાળકોની બહાર કામ કરતા કે મુસાફરી ( આ સમયે ગામેગામ મેળા પણ ભરાય છે) કરતાં તેમની સુરક્ષાની પ્રાર્થના કરે છે.  છઠ્ઠનાં દિવસે રસોઈ કરીને રાખી મૂકે છે ખાસ કરીને એવી વાનગીઓ જે થોડાં દિવસ સુધી બનાવીને રાખી હોય તો  ખરાબ ન થાય અને મુસાફરીમાં આવતા જતા સાથે લઈ જઈ શકાય છે કે ભાથું બાંધી દઈ શકાય. કે પછી..જો ઘરમાં મોટી ઉંમરનાં વડિલો હોય અને એમને એકલા ઘરે રહેવાનું થાય તો આ છઠ્ઠનું રાંધેલું એમને પણ કામ આવે. અને ઘરની સ્રીઓ થોડી મોકળી થઈ પોતાના પતિ બાળકો સાથે બે-ત્રણ દિવસ મેળે જઈ શકે, થોડું ફરીહરી શકે અને ચૂલાથી ટૂંક સમય માટે દૂર રહી તહેવારનો આનંદ પણ લઈ શકે. આમ પ્રકૃૃતિ, દેવી દેવતા, તહેવાર, અને માણસ આ બધું જ કનેક્ટેડ લાગે, ચોખ્ખાઈ રાખવાની હોય, નદીએ ઠંડા પાણીમાં સ્નાન, ઉપવાસ, જન્માષ્ટમી, કે નંદોત્સવ બધું જ એકમેક સાથે સંકળાયેલું લાગે. અને આ તહેવારો દરમ્યાન દેરાણી જેઠાણી અને સાસુનાં ઉદાહરણો સમાવતી કથાઓ તહેવારોમાં હળીમળીને રહેવાનો  બોધપાઠ પણ આપે છે.  કેટલાં સરસ આપણાં તહેવારો અને તેમની આસપાસ કહેવાતી સુંદર કથાઓ. હું મારા દિકરા સાથે વાત કરતી હોય તો એ જાણવા ઈચ્છે કે આજનાં સમયમાં કેવી રીતે અપ્લાય કરવું?! તો તેનો મને એક જ જવાબ સૂજે કે, બેટા હવે ચૂલા નથી રહ્યાં પણ બે કે ચાર-પાંચ બર્નરવાળા ગેસ કનેક્શન છે .. તો આપણાં પૂર્વજોને યાદ કરીને કમસેકમ એક બર્નરને પૂજીને બંધ રાખીશું તો આપણે એમને આ પ્રકારે યાદ પણ કરીશું અને પહેલાની લાઈફસ્ટાઈલ હવે રહી નથી પણ પરંપરાને માન આપી શકીશું. અને આમાં નુકશાન તો કંઈ છે નહીં ઉપરથી કથાઓમાંથી આજનાં સમયમાં આપણે શું ફીટ કરી શકીએ એ વિશે વિચારી શકશો અને જૂનાં સમયની રહેણી કરણી વિશેનું જ્ઞાન પણ મેળવી સકશો. અને જો સાંભળેલું જોયેલું હશે તો તમે કદાચ તમારા જીવનકાળમાં ક્યાંક ઉપયોગમાં પણ લઈ શકશો. આજે મળતી જાહેર રજાઓએ જૂનાં સમયનું ભાથું જ છે કદાચ.જડતા કે ખોટું અનુકરણ નહીં પણ પરંપરાને આદર દેવાની જ વાત હોય છે.  

 -ધારાભટ્ટ-યેવલે