ઉંધીયું

ઉંધીયું

Posted on Updated on

🕉

જાતજાતનાં શાકભાજી ભેગા કરીને ઉંધીયુ બનાવવું ભારતમાં સહેલું પડતું હશે પણ વિદેશમાં અને એય મર્યાદીત પ્રમાણમાં વસેલા અને રહેતા ભારતીયોની વસ્તી ધરાવતા નાના શહરોંમાં ઉંધીયું બનાવવું જ અજબની અનુભૂતિ છે. અમે જેદ્દાહ, રીયાદ કે દમ્મામ જેવા મોટા શહરોમાં નહીં પણ યાન્બુ નામનાં ડેવલપીંગ શહેરમાં રહીએ છીએ. જ્યાં ભારતીયોની સંખ્યા પણ અહીંનાં મોટા શહરોની કમ્પેરીઝનમાં મર્યાદીત છે. માટે અહીં ઉંધીયા માટે સારું શાકભાજી પણ મેળવવું મહેનતનું કામ છે. આપડા તહેવારો આવતા આપણને આપણું ફૂડ યાદ આવે એ સ્વાભાવીક જ છે. માટે અમે બહુ ચીકાસ કર્યા વગર (આ શાક મળ્યુંને પેલું રહી ગયું, ત્રણ પ્રકારની પાપડી નહીં તો એક) જે ઉપલબ્ધ હોય એમાં વાનગીઓ બનાવી લઈએ. અને ઘણીવાર તો સમય પણ અનુકૂળ ના હોય તહેવાર પ્રમાણે તો એવામાં વીકેન્ડને અનુકૂળ તહેવાર ઉજવી લઈએ. કહેવાય છેને કે જ્યા રહો ત્યાંના સમય પ્રમાણે પણ રહેવું.. તો આ એવું. ઘણીવાર તો એવુંય બને આજે મને એક વસ્તુ મળી એ જ વસ્તુ બીજા દિવસે ન પણ મળે.. માટેય જ્યારે મળે ત્યારે અને તે દિવસે એ વસ્તુનો લ્હાવો લઈ લેવો.. એ જીવનનાં અહીં રહીને અનુભવેલા સમયનો એક ભાગ છે!

વિદેશમાં રહીને લીલા લહેર નથી હોતા.. ઘણાં લોકોને ભ્રમ છે. આજનો જ તાજો દાખલો દઉં તો ઉંઘીયું જે તમને ત્યાં સરળતાથી મળી જાય છે એ અહીં અમને ખૂબ મહેનતથી પ્રાપ્ત થાય છે. સાવ સાચું કહું તો પહેલાં રંજ રહેતો થોડો પણ ..સમય જતાં અનેક વાતો સમજાતી હોય છે. માટે ખૂબ આનંદ છે. પોતે બધુ લાવી અને પોતાની જ થાળીમાં પોતાનું બનાવેલું ઉંધીયું કે કોઈ મનપસંદ વાનગી બગાડ કે નકામા આગ્રહ વગર કે કોઈના પણ ઉપર ડીપેન્ડ થયા વગર સ્વરૂચી અને સ્વેચ્છાએ પીરસીને આરોગવી .. એ પણ અનેરો આનંદ છે એવું અનુભવ્યું છે. માટે પણ ઈન્ડિયા આવીએ ત્યારે દરેક વસ્તુ, વ્યક્તિ વાતો કે કોઈએ પીરસેલી વાનગીની કિંમત સમજાય છે.

અહીં જ રળીને જ્યારે અહીંજ થાળીમાં ભાવતા ભોજન પીરસાય અને જો એ આપણે અહીં જ એનો સ્વાદ માણી શકીએ તો કદાચ આપણે જ્યાં છીએ ત્યાંનું સુખ માણી શકીએ એવી માન્યતાને આ ખાસ કરીને કોરોનાનાં સમયે દ્રઢ કરી છે.

સતત જો ભાગ ભાગ કરીશું તો તો માત્ર કેલેન્ડરની કોઈ એકાદ સીઝન જ બનીને રહી જશું. જે સીઝનમાં રાહ હોય ભારત જવાની.. અને બસ ૩૦ દિવસમાં આખા વર્ષને માણવાની!! જે ખરેખર વિચારીએ તો બીનવ્યાજબી છે.. તો પછી એમ ન કરતા જ્યાં છીએ ત્યાં જ રહીને થોડું આઘુ પાછુ કરતા ત્યાંને અને ત્યાંનું જ ન ઉજવીએ?!

ભારત બહાર રહેતા લોકોનાં પણ અનેક પ્રશ્નો હોય છે, ઘણી માનસીક ગડમથલો અને ભારત બહાર સેટલ થવાનાં પ્રશ્નો.. પણ આ બધા વચ્ચે જજૂમીને કઈ રીતે બહાર આવવું પણ અહીંની લાઈફસ્ટાઈલ શીખવી દે છે. ઉંધીયા માટેની શાકભાજી ભેગી કરવા જેવું જ😄.

યે ઝિંદગી હૈ દીવાનીમાં દીપિકા ડાયલોગ બોલે છે ને .. એવું.. “તો ચલો બની, જહાં હૈ વહીં સે ઉસ જગહકા મઝા લેતે હૈ ના?!”

આ અમારું થોડી સબ્જીમાં બનેલું પણ સ્વાદથી ભરપૂર .. “ઉંધીયું”

સૌને મકર સંક્રાંતિની શુભેચ્છા.

ધારાભટ્ટ-યેવલે