ભોળુ બાળપણ

Posted on

માનવીને જ્યારે પોતાને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે છે ત્યારે તેના જીવનમાં બુદ્ધિની શરૂઆત થાય છે. અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન છે. જો કે થોડી બુદ્ધિ આવ્યા પછી અમારી તો ઊલટાની મુશ્કેલી વધી છે. અમે જે મૂર્ખાઈનો આનંદ માણતા હતા તે ગુમાવી બેઠા છીએ અને બુદ્ધિપૂર્વકનો ઉચ્ચ આનંદ અમને હજી પ્રાપ્ત થયો નથી. મારો નાનો પૌત્ર અરમાન મારા રૂમમાં આવી જે તોફાનમસ્તી અને ધમાલ કરે છે તેને જોઈ મને કવિશ્રી આનંદની પંક્તિઓ યાદ આવે છે.

કેવું મજાનું બાળપણ

કેવું નિખાલસ ભોળપણ

લાવ શોધી લઉં ફરી

વેરી દઉં આ શાણપણ

-શ્રી શાહબ્બુદ્દીન રાઠોડ

ડ્રોઈંગ રૂમની બારી

Posted on

અમારા ડ્રોઈંગ રૂમની બારીની બહારથી થોડા પહાડોં દેખાય છે. ઘણી બીલ્ડીંગોનાં માથા વીંધી એ તરફનું દ્રશ્ય ચુંબકીય હોય છે.

અમારે રણ તરફ આંટો મારવા જવું હોય કે પછી કોઈ કામસર નીકળવાનું થાય.. અમે અચૂક એને નીહાળીને બહાર નીકળીએ. કોઈવાર સાવ ચોખ્ખા તો કોઈવાર ધૂળિયા.

કોઈવાર એમ નામ પણ એમને તાકતા હોઈએ. એને જોવામાં આઁખોનાં રસ્તે ઘણા દ્રશ્યો પણ જડપાઈ જાય. કોઈ વોક કરતું, અમુક માણસો કામ કરતા, બે-ત્રણ છોકરાઓ રમતા, કોઇ ફેમિલી કાર પાર્ક કરતું, મારી જેમ બીજું કોઈ અજાણ્યું મને પણ જોતું, જાણીતું હાઈ કરી થોડાં અંતરે વેવ કરતું, થોડાં પંખી આકાશ તરફ ઉડતા, કોઈ માળો બાંધતા, કોઈ સરકારી બીલ્ડીંગ પર ફરકતો સાઉદી ફ્લેગ, અને આસ્થાનું સ્થાનક.

આમ એ પર્વત વધારે તો અમારું વેધર ફોરકાસ્ટ માઉન્ટન જ થઈ ગયું છે. મારી ધારે ધીરે એનાં પર આસ્થા બંધાતી હોય એવું પણ વર્તાય છે.

બાકીનું બધું બોનસમાં, આઁખોં કી ગુસ્તાખી અને એની આસપાસ જેવું.

-ધારાભટ્ટ-યેવલે

સાંજનાં વિચાર

Posted on

🕉
હમણાં એક જૂની ચોપડી મળી.. એમાં મિત્રો અને શત્રુઓનાં વિષય પર લખેલું હતું.. ત્યારે મને થયું.. હીતશત્રુઓનું શું?!
ધારાભટ્ટ-યેવલે

ઉંધીયું

Posted on Updated on

🕉

જાતજાતનાં શાકભાજી ભેગા કરીને ઉંધીયુ બનાવવું ભારતમાં સહેલું પડતું હશે પણ વિદેશમાં અને એય મર્યાદીત પ્રમાણમાં વસેલા અને રહેતા ભારતીયોની વસ્તી ધરાવતા નાના શહરોંમાં ઉંધીયું બનાવવું જ અજબની અનુભૂતિ છે. અમે જેદ્દાહ, રીયાદ કે દમ્મામ જેવા મોટા શહરોમાં નહીં પણ યાન્બુ નામનાં ડેવલપીંગ શહેરમાં રહીએ છીએ. જ્યાં ભારતીયોની સંખ્યા પણ અહીંનાં મોટા શહરોની કમ્પેરીઝનમાં મર્યાદીત છે. માટે અહીં ઉંધીયા માટે સારું શાકભાજી પણ મેળવવું મહેનતનું કામ છે. આપડા તહેવારો આવતા આપણને આપણું ફૂડ યાદ આવે એ સ્વાભાવીક જ છે. માટે અમે બહુ ચીકાસ કર્યા વગર (આ શાક મળ્યુંને પેલું રહી ગયું, ત્રણ પ્રકારની પાપડી નહીં તો એક) જે ઉપલબ્ધ હોય એમાં વાનગીઓ બનાવી લઈએ. અને ઘણીવાર તો સમય પણ અનુકૂળ ના હોય તહેવાર પ્રમાણે તો એવામાં વીકેન્ડને અનુકૂળ તહેવાર ઉજવી લઈએ. કહેવાય છેને કે જ્યા રહો ત્યાંના સમય પ્રમાણે પણ રહેવું.. તો આ એવું. ઘણીવાર તો એવુંય બને આજે મને એક વસ્તુ મળી એ જ વસ્તુ બીજા દિવસે ન પણ મળે.. માટેય જ્યારે મળે ત્યારે અને તે દિવસે એ વસ્તુનો લ્હાવો લઈ લેવો.. એ જીવનનાં અહીં રહીને અનુભવેલા સમયનો એક ભાગ છે!

વિદેશમાં રહીને લીલા લહેર નથી હોતા.. ઘણાં લોકોને ભ્રમ છે. આજનો જ તાજો દાખલો દઉં તો ઉંઘીયું જે તમને ત્યાં સરળતાથી મળી જાય છે એ અહીં અમને ખૂબ મહેનતથી પ્રાપ્ત થાય છે. સાવ સાચું કહું તો પહેલાં રંજ રહેતો થોડો પણ ..સમય જતાં અનેક વાતો સમજાતી હોય છે. માટે ખૂબ આનંદ છે. પોતે બધુ લાવી અને પોતાની જ થાળીમાં પોતાનું બનાવેલું ઉંધીયું કે કોઈ મનપસંદ વાનગી બગાડ કે નકામા આગ્રહ વગર કે કોઈના પણ ઉપર ડીપેન્ડ થયા વગર સ્વરૂચી અને સ્વેચ્છાએ પીરસીને આરોગવી .. એ પણ અનેરો આનંદ છે એવું અનુભવ્યું છે. માટે પણ ઈન્ડિયા આવીએ ત્યારે દરેક વસ્તુ, વ્યક્તિ વાતો કે કોઈએ પીરસેલી વાનગીની કિંમત સમજાય છે.

અહીં જ રળીને જ્યારે અહીંજ થાળીમાં ભાવતા ભોજન પીરસાય અને જો એ આપણે અહીં જ એનો સ્વાદ માણી શકીએ તો કદાચ આપણે જ્યાં છીએ ત્યાંનું સુખ માણી શકીએ એવી માન્યતાને આ ખાસ કરીને કોરોનાનાં સમયે દ્રઢ કરી છે.

સતત જો ભાગ ભાગ કરીશું તો તો માત્ર કેલેન્ડરની કોઈ એકાદ સીઝન જ બનીને રહી જશું. જે સીઝનમાં રાહ હોય ભારત જવાની.. અને બસ ૩૦ દિવસમાં આખા વર્ષને માણવાની!! જે ખરેખર વિચારીએ તો બીનવ્યાજબી છે.. તો પછી એમ ન કરતા જ્યાં છીએ ત્યાં જ રહીને થોડું આઘુ પાછુ કરતા ત્યાંને અને ત્યાંનું જ ન ઉજવીએ?!

ભારત બહાર રહેતા લોકોનાં પણ અનેક પ્રશ્નો હોય છે, ઘણી માનસીક ગડમથલો અને ભારત બહાર સેટલ થવાનાં પ્રશ્નો.. પણ આ બધા વચ્ચે જજૂમીને કઈ રીતે બહાર આવવું પણ અહીંની લાઈફસ્ટાઈલ શીખવી દે છે. ઉંધીયા માટેની શાકભાજી ભેગી કરવા જેવું જ😄.

યે ઝિંદગી હૈ દીવાનીમાં દીપિકા ડાયલોગ બોલે છે ને .. એવું.. “તો ચલો બની, જહાં હૈ વહીં સે ઉસ જગહકા મઝા લેતે હૈ ના?!”

આ અમારું થોડી સબ્જીમાં બનેલું પણ સ્વાદથી ભરપૂર .. “ઉંધીયું”

સૌને મકર સંક્રાંતિની શુભેચ્છા.

ધારાભટ્ટ-યેવલે

એમ્પ્ટીનેસ

Posted on

🕉
અહીં મને સૌથી પ્રિય જો કાંઈ લાગતું હોય તો એ છે અહીંનું રણ. એક અલગ જ સુખ શાંતિ મળે ત્યાં. એમ થાય બેસી જ રહીએ. દુનિયામાં એવી બહુ ઓછી જગ્યાઓ છે જ્યાં જતા, પહોંચ્યા પછી, અને પાછા ફરી ને પણ સારું લાગે. એમાંની જ એક જગ્યાઓમાંની એક એટલે.. અહીંનું રણ. એકલા જાવ તો જાણે નિજાનંદનો આનંદ અને મિત્ર પરિવાર સાથે જાવ તો અનોખું સુખ. છેલ્લે બે વર્ષથી તો જવાયું નહતું. પણ હમણાં થોડી મોકળાશ મળતાં જવાયું હતું. રણમાં ફરવાનાં અમે જાણકાર તો નથી પણ અમારી એક-બે નિર્ધારીત જગ્યાઓ છે. ત્યાં જઈ આવીએ. દૂર દૂર સુધી જ્યાં નજર દોડાવીએ ત્યાં સુધી મોટા નાના રેતનાં પથરાળ પહાડો. ડ્યુન્સ ચઢવાની તૈયારી કરીને ગયા હો કે પછી ખાલી રેતીનાં પહાડનાં ચરણે બેસી જવા ગયા હોઈએ.. આ અહીંનું રણ સદાય અપાર શાંતિ પ્રદાન કરે છે. એને ચુપચાપ સાંભળવાથી લાગે જાણે સતત દુઆઓ વરસે છે. યુ ફીલ બ્લેસ્ડ આફટર અ વ્હાઈલ. દૂરથી સાવ ખાલી લાગે પણ એની અંદર પ્રવેશતા જ પરમાનંદનો આનંદ. ત્યાં જઈએ એટલે ન કોઈ મોજમજાનાં સાધનો, ન કોઈ દૂર દૂર સુધી ખાણી પીણીની વ્યવસ્થા.. જરૂરતની જે જોઈએ એ વસ્તુઓ સાથે લઈ જવાની.. અને આમ હોવાં છતાં જો એ આપણને આકર્ષે તો..એમાં એવું કોઈક તો તત્વ હશે જ ને?!
રણમાં જવા માટે રણનાં નિયમો પણ પાળવા પડે. તો એનો આનંદ લઈ શકાય. ત્યાં જતા પહેરવેશ મને (આ મારો અભિપ્રાય છે) લોકલ ગમે..નહીં તો ફૂલ કવર્ડ ડ્રેસ.. (હા, ફોટોઝ માટે થોડી વાર મોકળા થઈ શકાય)કારણ કે રણની રેત અત્યંત બારીક હોય છે.. સહેજ પવન આવતા જ નાક કાન આઁખ વાળ ભરાઈ જાય.. માટે આઁખ પર ચશમા કે ગોગલ, મોઢે માસ્ક, કાન અને વાળ પોતાની રીતે કવર્ડ રાખીએ તો વાંધો નઆવે. પછી આમ ન કરતા ..જગ્યાને દોષ દેવા કરતા આપણે થોડી તૈયારી કરીને જઈએ તો લ્હાવો લઈ શકીએ.
હું જ્યારે જ્યારે ત્યાંગઈ છું ત્યારે એનો થોડો ખાલીપો આશી્રવાદરૂપે લઈ આવી છું એવું મને લાગ્યું છે.
આ રણનો પોતે પોતાનો માંગેલો ખાલીપો છે એવું મને ભાસ થાય છે. અને જાતે માંગેલું ખાલીપણું એ એને કોઈ સન્યાસી કે સૂફી સંતનાં જેવું વરદાન સમાન શોભે છે. આવવા જવા વાળાને આનંદ પ્રદાન કરે છે.
અને માટે મને અહીંનું રણ ખૂબ ગમે છે..

મને લાગે છે કે.. એનું ખાલીપણું જ એની આગવી ઓળખ છે .. એની વિશેષતા છે. ❤️
What makes it special is it’s ..
emptiness. ❤️

-મદીના પ્રોવીન્સ, સાઉદી અરેબીયા.
-ધારાભટ્ટ-યેવલે

ચાની ચાહ

Posted on


આજે ‘ચા’નો દિવસ. માટે એને આજે જણાવવું જ જોઈએ કે એનું સ્થાન મારા/અમારા જીવનમાં કેટલું છે. હું મારી જાતને નાઈન્ટીઝનું કીડ એમ પણ એક પ્રકારે વધારે સારી રીતે ઓળખાવી શકું. 90’sમાં રસના, કોકાકોલા અને પેપ્સીએ હજૂતો ઘર માંડેલું જ હતુ અને ચા કોફી અને લીંબુ શરબતનાં ઘરોઘર બોલબાલા હતા. ત્યાં ચાનું ઘર તો દાયકાઓથી મજામાં ચાલતું હતુ.
કોઈ ઘરે આવે એટલે “ચાનું તે કાંઈ પૂછવાનું હોય ?!” એવો ચાનો દબદબો હતો. એનું આમ રહેવું જ ખાસ હતું. કોઈને મળવા જઈએ કે કોઈ ઘેર આવે, દિવસ હોય કે રાત, સારો પ્રસંગ હોય કે નરસો, કોઈને મનનાવવાનાં હોય કે કનડવાના, ચાની હાજરી જરૂરી બનતી. પ્રસંગોપાત અને સમયઅનુસાર તથા સમયમર્યાદા પ્રમાણે ચા સાથેનાં નાશ્તા પણ પીરસાય. એમાંનાં અમૂક ખાસ મને યાદ છે ચા અનેબિસ્કીટ(ખારી, મોનેકો, પારલેજી ) ,ચા અને થેપલા,ભાખરી,પૂરી,કડકપૂરી,મઠરી, ઢેબરા,ચા અને ખાખરા,વણેલાગાંઠિયા,ફાફડા,ભાખરવડી, ચા અને હાંડવો, ઢોકળા અને ખાંડવી. અને આવું તો ઘણું બધું. હજૂય આ બધું જ ખવાય જ છે પણ હવે ચાનું સ્થાન અને સમય બન્ને બદલાણા છે. ખેર, બદલાવ એ જ નિરંતર છે એવું કહેવાય છે પણ આ બદલાતા સમયમાં પણ મને/અમને જો કાંઈ સતત મળ્યું હોય તો એ છે ‘ચા.’ મને કોઈ પૂછે કે,’તારું મિત્ર કોણ ?’ તો હું નિશ્ફીકર બનીને કહી શકું કે, ‘ચા’. જેમ મોરારી બાપુ રામજીને સંબોધીનેસુફી,અલગારી,રોમેન્ટીક,સ્પીરીચ્યુઅલ,ગઝલ કે કોઈ પણ પ્રકારનું સંગીત અર્પણ કરી શકે એમ જ હું પણ બાપૂની પ્રરણાથી ચાને કોઈપણ સંગીત કે ભાવના અર્પણ કરી શકું.

પણ જેમ કોઈ મૂવીમાં ટ્વીસ્ટ આવે એમ મારી ચા અને મારી વચ્ચે અચાનક બોલાચાલી બંધ થઈ ગઈ. ચા પ્રત્યે ખૂબ જ પ્રેમ..પણ ખબર નહીં કેમ ..ચા આવેને મોં બગડે. ચાનું નામ સાંભળતા ઉબકા આવે. મારે ચા પીવી છે પીવી છે પણ પીવાતી જ નથી! થયું..”ચા માડી તું કાં આમ મારાથી રૂઠી?!” મારી ભૂલચૂક માફ કર.. પણ આમ ઉંધી થઈ કાં બેઠી?! 😄ત્યાં સુધી હું વિચારે ચડી કે..કોઈની મને અને મારી ચાને નજર તો નહીં લાગી હોય ને?! 😄 પણ પછી થયું..આમ કેમ ચાલે?! ઉપાય તો શોધવો પડે..અને 3idiots filmમાં જેમ આવે છેને સોન્ગ..જાને નહીં દેંગે તુઝે..એમ એ ગણગણતા..ગઈ ડોક્ટર પાસે. ડોક્ટરને કીધું “એક જ તકલીફ છે..ચા અફખે પડી છે..શું કરું?!” ડોક્ટરેય બે ઘડી મલકાણા..મે કહ્યું..”ડોક્ટર કેન્સર જેવી પીડા છે” લાગે છે “મારી ચાને ગાંઠ થઈ છે!” પણ ચાની અહેમીયત આ દેશનાં ડોક્ટર ન સમજે તો કોણ સમજી શકે?! એટલે કહે, ‘ચિંતા ન કરો..તમે ચા પી શકો એવું આપણે કરી દઈએ.’ અન સાચે જ એ પછી ૧ મહીને મારી ચા મને ફરી મળી! એ જ અંદાજે, એજ એટીટ્યુડ સાથે ..હંસાની જેમ..સેમ ટુ સેમ,ભઈસાઆઆબ! 🙏🏻😄
પણ એ સમયે અને ચાની સાથેનાં અનબન વાળા વખતે મને ધીરજ નામના ગુણને વિકસાવવાની આદત મળી. અને એ સમજણ પણ કે..કોઈ આદતને એટલી હદે ન લઈ જવી કે એ કુટેવ બની જાય. ચાને પ્રેમ કરવો પણ બંધન બનાવવાની ટેવ ન પાડવી. આમાં પણ બાપૂની જ વાત..કે મુક્ત મને વિચારો. દિવસમાં એક કે બે વાર પીવાની..બાકી મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક. અને કોફી, શરબત, સૂપ પણ ટ્રાય કરાય. 😄
બસ, તો આમ મને મારી ચા ખોવાય ગયા પછી ફરી મળી.
સૌને “આંતરરાષ્ર્ટીય ચા દિવસની” શુભેચ્છા. સૌ ચામય રહો અને ચાનું કલ્યાણ થાઓ એવી મનોકામના. 😄સાથે સાથે ચાની લારીઓ ટપરીઓ દુકાનો નવા આઉટલેટ્સ જલ્દી કોરોનાને માત દઈને ખૂલે તેવી આશા.
ચા સાથેનાં સંવાદમાં એકવાર
એણે મને કહેલું..’ધારા, અડધું ઈન્ડિયા અને એનું મગજ, એનો ગુસ્સો, તિરસ્કાર, ભૂખ, પ્રેમ, પ્રસંગો, સંબંધો મેં જ સાચવ્યા છે!’ અને મેં કહ્યું હતુ,’વાત.. તો સાચી છે તારી!’😄
સૌને સૌની ચા ફળે.🙏🏻

-ધારાભટ્ટ-યેવલે

માળિયુ

Posted on Updated on

આપણા જીવનની એવી ઘણી વાતો, નિયમો,પરિવારની પોતાની આદતો હોય છે જેને પુનઃપુનઃ યાદકરવાનું સંઘરવાનું અને પેઢી દર પેઢી ખરેખર આગળ સોંપવાનું પુણ્ય કરવા જેવું મને લાગે છે. જો સંજોગ વસાત આવી વોતો કે આદતો જો માળિયે નંખાઈ ગઈ હોય કે પછી અભેરાઈએ ચડાવાઈ ગઈ હોય તો…આપણા આ તહેવારો એ એવો સમય છે કે પિત્તળ કે તાંબાનાં વાસણો જેવી વાતો કે આદતોને ફરી વાપરમાં લાવીએ. નાનપણમાં આપણે એવું ધણું અનુસરતા જે સમય જતા અજાણે જ માળિયે મૂકાઈ ગયુ છે. એવી જ એક આદતની હું વાત કરું. નાનાથી મોટા થ્યા એ સમયમાં અમને દાદા દાદીએ શીખવેલું કે ઘરપરિવારમાં, મિત્રોમાં, કુટુંબમાં, પોતાનું કે પોતાના પ્રિયજનોમાંનું કે પછી દેશનું કોઈનું, કંઈ પણ સારું થાય કે કાંઈ સારું થવાનું હોય કે પછી કોઈ પરિક્ષા હોય કે કોઈ પરિક્ષાનો સમય હોય..આપણે એક દિવો પ્રગટાવવો. કારણકે દિવો એ કોઈપણ પરિસ્થિતિમાં આજનું તો અંધારુ હણશે જ પણ ગઈકાલનું અંધારું પણ હણી લેશે અને આવતી કાલનાં અજવાળા તરફ આંગળી પણ ચીંધશે. માટે તહેવારો કે નિરાશાની ઘડીઓ ઉપરાંત પણ એક દિવો પ્રગટાવવો  જે પોતાની અને પોતાનાંઓની આશનો, ખુશીનો પ્રતિક હોય. તો આવી અમુક પળોમાં અમે દિવો પ્રગટાવતા, ઘરમાં કંઈક ગળ્યુ બનતું અને સૌ સાથે મળીને પ્રકાશની એ સ્પેશ્યલ પળોને માણતા. એ રીતે ડીપલી વિચારીએ તો આપણે અંદરની ખુશીની એનર્જીને વહેંચતા જેની આભા આપણી આસપાસનાં વાતાવરણને પણ દૈદિપ્ત્યમાન કરી દેતી. ઈન અ વે, ખુશી બમણી બનીને તમારી સામે દીપે. આમ એ પોતાનો પ્રકાશપર્વ બની જતો. 

છેલ્લા પાંચેક વર્ષથી મેં ફરી આ માળિયે ચડાવેલી આદતો, વાતોને નીચે ઉતારીને વપરાશમાં લીધી છે. બોલો, છે ને જૂની પણ સ્વાસ્થવર્ધક વાત.  

જે દિવસે મન, હ્રદય અને આત્મામાં આનંદ ઉછળે ખુશી હીલોળા લે અને એ અંદરની ખુશીને દર્શાવતું પ્રતિક મનની બહાર સ્વરૂપ લે ત્યારે એક દિવો પ્રગટાવવો. એવો જ એક દિવસ હતો જ્યારે રામનું આગમન ફરી અયોધ્યામાં થયેલું અને એ દિવસે સૌએ મળીને દીવા પ્રગટાવેલા. મનમાં ઉમડતો પ્રકાશ બહાર પણ છલક્યો. આમ એ પ્રકાશની ઘડીનો પડધો કેટલો પ્રબળ હશે કે આજેય આટલા વર્ષો પછી યુગોને પાર પણ સૌની યાદોમાં અકબંધ છે.  કોઈ મનનાં ભાવ, ખુશી, ઉમંગ કે અનહદ આનંદ જ્યારે હિલોળા લે ત્યારે ત્યારે દિવો પ્રગટાવવો એવું મને થાય. આવનારા દિવાળીનાં દિવસો એ રામજીનાં આગમનને યાદ કરીને આપણે ઉજવીએ છીએ. હું પણ મારા પરિવાર સહિત ઘરમાં ઉજવીશ, પણ મારી પોતાની દિવાળી એ  દિવસે હોય છે જે દિવસે મારા મનનાં કોઈ ખુશીનાં ભાવ ખીલે, મારું પોતાનું કોઈ ખુશ હોય,મનગમતા માણસોનું આગમન થાય, અને નાનીનાની વાતોનો મોટો આનંદ હોય. આ પોતાની દિવાળી અને પ્રકાશપર્વ સદાય સાથે હશે તો બીજાની દિવાળીની ઉજવણીમાં પણ આર્શીવાદ અને આનંદની મીઠી આપ લે શક્ય બનશે અને મારા જ નહીં બીજાનાં આંગણામાં પણ એક દિવો પ્રગટાવી શકવામાં મદદરૂપ બનશું.

બધાને હેપી ફેસ્ટીવલ ટાઈમ. આવનારા દિવસો સૌને ફળદાયી નિવડે અને સૌની દિવાળી ઉજળી હો એવી જ પ્રભુપ્રાર્થના.
-ધારાભટ્ટ-યેવલે  

સાંજનાં વિચારો

Posted on Updated on

સાંજનાં સમયે અગાશી પર બેઠા બેઠા કટિંગ ચાનાં બે-ત્રણ ઘૂંટડાં સાથે વિચારોનું પણ હું મનોમંથન કરું. ક્યાંક જોયેલું, કોઈથી સાંભળેલું કે પછી પોતે અનુભવેલું.. એવા ઘણાં વિચાર આવે. એમાં નો એક..ઘણીવાર માણસ ખોટી જગ્યાએ ફસાઈ જતો હોય છે. એ જગ્યાનું સરનામું, ઠામ,ઠેકાણું કોઈપણ હોઈ શકે છે..જેમકે આર્થિક, માનસિક, શારિરીક, અણસમજણવાળી કે ગૈરસમજણની..પણ એક વાત એ દરેક માણસનાં હાથમાં હોય છે અને એ છે કે ખોટું ન કરવું. મતલબ ખોટી જગ્યાએ ફસાયા છતાં ખોટું ન કરવું.

બીજું કે..જ્યારે એ ખોટી જગ્યાએથી માણસ બહાર નીકળશે તો તેને કોઈ ખોટો રંજ પણ નહીં રહે. 


ધારાભટ્ટ-યેવલે

શ્રાવણનાં તહેવારોની આસપાસ

Posted on Updated on

મને આપણા દરેક તહેવાર ગમે છે. તહેવારનાં દરેક દિવસમાં વિવિધતા તો છે જ પણ સાથે સાથે જનજીવનને પણ એટલી જ સુંદરતા સાથે વણી લેવામાં આવ્યું છે. શ્રાવણ માસ આવતા જ એક પ્રકારે આપણે સૌ ઉત્સાહીત થઈ જતા હોઈએ. એનું કારણ છે આ માસમાં અનેક દિવસો તહેવાર સ્વરૂપે આપણે માણીએ છીએ. મેળા, મેળ-મિલાપ, ખાણી પીણી, નવાં કપડા, ઘરેણાં, સાજ સજ્જા,  કે પછી પૂજાપાઠ દરેકમાં આપણાં આ તહેવારોનો ઉત્સાહ દેખાશે. અને આ બધા જ તહેવારોની ખાસીયત છે કે એ સમજી વિચારીને સમય,દેશ,કાળ,જગ્ય અનુસાર ઘડવામાં આવેલા અનેપછીથી મનાવવામાં આવે છે. તેની સાથે સાથે રોચક કથાઓ પણ કાળ અનુસાર વહેતી થઈ જેમાં એ સમય અને જગ્યાઓને તે સમયનાંપ્રશ્નો અને નિવારણનુંપણદર્શન થાય.મોટે ભાગે આ કથાઓમાં ગ્રામ્યજીવનની જ વાત હોય છે. શહેરો હજૂ હવે છેક આ સદીમાં બન્યા. એટલે જ આપણે કોઈને મળીએ ત્યારે ‘મૂળ ક્યાંનાં’ એમ એક બીજાને પૂછીએ છીએ.  હજુ હમણાં જ નાગપંચમી ગઈ. મહારાષ્ર્ટમાં ૨૫જૂલાઈએ મનાવવામાં આવી. ગુજરાતમાં બે દિવસ પહેલાં. તો અમે ઘરમાં વાત કરતા હતા..કે આ તહેવારમાં શું કરવાનું અને શું નહીં? અને એ બધું કેમ નહીં કરવાનું અથવા એ નિયમોની  પાછળ શું કારણ હોઈ શકે?! પછી સાતમ આઠમની પણ વાત નીકળી. નાગપંચમીએ આપણે નાગદેવતાની પૂજા કરીએ. ચૂલો ન પેટાવવો કે વરસાદ પહેલા ખેડૂતોએ ખેતર ખેડીને રાખવું એવા નિયમો બનાવેલા. કારણકે આ સમયે જમીનમાં વરસાદનું પાણી જતા જમીનમાં રહેતા જીવજંતુઓ ખાસ કરીને સાપને પોતાના બીલ કે રાફડામાંથી બહાર આવવું પડે છે. બહાર આવીને એ સુરક્ષીત જગ્યા શોધીને ત્યાં લપાઈને પડ્યા રહે છે. પણ આ સ્થળાંતરની પ્રક્રીયા દરમ્યાન એ ખેતરોથી પસાર થાય છે અને એ સમયે જો ત્યાં ખેડૂત ખેતર પર કામ કરતો હોય તો બની શકે એનાંથી એક જીવની હત્યા થાય, નહીં તો સાપ પોતાને બચાવવામાં ખેડૂત પર હુમલો કરે તો ખૂડૂતનો જીવ જોખમમાં મૂકાય..માટેય વરસાદ પહેલાં ખેતર ખેડી લેવું એવું કહેવાયું છે. અને ઘરમાં ચૂલો ન પેટાવવા પાછળ પણ એવું જ એક કારણ હોઈ શકે કે મોટે ભાગે રસોડા ખૂલ્લા જ રહેતા. અને ચૂલો કે સગડી જમીન પર. તો ધારો કે કોઈ સાપ આસપાસ હોય તો એને અચાનક જોઈને રાંધતું માણસ ગભરામણમાં કોઈ આગ, અકસ્માત કે દાઝવામાં ન સપડાય જાય અથવા કોઈ નાગ જમીન પરનાં ચૂલાની આગથી બળી કે દાઝી ન જાય. હવે તો ઉભા પ્લેટફોર્મ આવી ગયા છે. અને અધ્યતન શહેરો. પણ આપણો એશીં ટકા વર્ગ ગામડામાં જ વસે છે. અને ત્યાં હજૂયે આ નિયમો પાળતા હોય છે. સાવચેતીથી રહેવાનું, અને દરેક જીવનો આદર કરવાનો એ તો આપણી કથાઓમાં કહેવાયું છે. બીજું મને લાગે છે કદાચ એવું પણ હશે કે નાગપાંચમે નાગદેવતાની પૂજા કરી સ્રીઓ પોતાના ઘર પરિવારનાં પુરુષો અને બાળકોની બહાર કામ કરતા કે મુસાફરી ( આ સમયે ગામેગામ મેળા પણ ભરાય છે) કરતાં તેમની સુરક્ષાની પ્રાર્થના કરે છે.  છઠ્ઠનાં દિવસે રસોઈ કરીને રાખી મૂકે છે ખાસ કરીને એવી વાનગીઓ જે થોડાં દિવસ સુધી બનાવીને રાખી હોય તો  ખરાબ ન થાય અને મુસાફરીમાં આવતા જતા સાથે લઈ જઈ શકાય છે કે ભાથું બાંધી દઈ શકાય. કે પછી..જો ઘરમાં મોટી ઉંમરનાં વડિલો હોય અને એમને એકલા ઘરે રહેવાનું થાય તો આ છઠ્ઠનું રાંધેલું એમને પણ કામ આવે. અને ઘરની સ્રીઓ થોડી મોકળી થઈ પોતાના પતિ બાળકો સાથે બે-ત્રણ દિવસ મેળે જઈ શકે, થોડું ફરીહરી શકે અને ચૂલાથી ટૂંક સમય માટે દૂર રહી તહેવારનો આનંદ પણ લઈ શકે. આમ પ્રકૃૃતિ, દેવી દેવતા, તહેવાર, અને માણસ આ બધું જ કનેક્ટેડ લાગે, ચોખ્ખાઈ રાખવાની હોય, નદીએ ઠંડા પાણીમાં સ્નાન, ઉપવાસ, જન્માષ્ટમી, કે નંદોત્સવ બધું જ એકમેક સાથે સંકળાયેલું લાગે. અને આ તહેવારો દરમ્યાન દેરાણી જેઠાણી અને સાસુનાં ઉદાહરણો સમાવતી કથાઓ તહેવારોમાં હળીમળીને રહેવાનો  બોધપાઠ પણ આપે છે.  કેટલાં સરસ આપણાં તહેવારો અને તેમની આસપાસ કહેવાતી સુંદર કથાઓ. હું મારા દિકરા સાથે વાત કરતી હોય તો એ જાણવા ઈચ્છે કે આજનાં સમયમાં કેવી રીતે અપ્લાય કરવું?! તો તેનો મને એક જ જવાબ સૂજે કે, બેટા હવે ચૂલા નથી રહ્યાં પણ બે કે ચાર-પાંચ બર્નરવાળા ગેસ કનેક્શન છે .. તો આપણાં પૂર્વજોને યાદ કરીને કમસેકમ એક બર્નરને પૂજીને બંધ રાખીશું તો આપણે એમને આ પ્રકારે યાદ પણ કરીશું અને પહેલાની લાઈફસ્ટાઈલ હવે રહી નથી પણ પરંપરાને માન આપી શકીશું. અને આમાં નુકશાન તો કંઈ છે નહીં ઉપરથી કથાઓમાંથી આજનાં સમયમાં આપણે શું ફીટ કરી શકીએ એ વિશે વિચારી શકશો અને જૂનાં સમયની રહેણી કરણી વિશેનું જ્ઞાન પણ મેળવી સકશો. અને જો સાંભળેલું જોયેલું હશે તો તમે કદાચ તમારા જીવનકાળમાં ક્યાંક ઉપયોગમાં પણ લઈ શકશો. આજે મળતી જાહેર રજાઓએ જૂનાં સમયનું ભાથું જ છે કદાચ.જડતા કે ખોટું અનુકરણ નહીં પણ પરંપરાને આદર દેવાની જ વાત હોય છે.  

 -ધારાભટ્ટ-યેવલે

મહાએકાદશી

Posted on Updated on


અષાઢ મહિનામાં શુક્લ પક્ષમાં આવતા અગિયારમાં દિવસને અષાઢી એકાદશી તરીકે વિશ્વભરનાં હિન્દુઓ ઉજવે છે, માને છે. આ દિવસને અષાઢી એકાદશી ઉપરાંત શયની ,દેવ શયની(ભગવાન આજથી ચાર મહિના શેષનાગની શૈયાપર આરામ કરશે, માટે ચાતુર માસનો પણ પ્રારંભ), અષાઢી, તુલી, હરિશયની, દેવપોઢી, અને મહા એકાદશી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

એકાદશી નાં દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પૂજવામાં આવે છે.
એક લોક વાયકા અનુસાર બ્રહ્માજીએ નારદમુનીને કીધેલી વાત અનુસાર એક સમયે રાજા માનદાતાનાં રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. રાજાને કશું સુજ્યું નહીં. ત્યારે તેમના ગુરૂએ તેમને ભગવાન વિષ્ણુની મહાએકાદશીનું વ્રત તથા પૂજાકરવાનું જણાવ્યું. ભગવાનને પ્રાર્થના દ્વારે પોતાના રાજ્યમાં વરસાદ પડે તેવી કામના કરવા કહ્યું. અને એમ એકાદશી કર્યા પછી રાજાનાં રાજ્યમાં ચાર મહિના વરસાદ પડ્યો અને રાજ્યનો દુકાળ મટ્યો.

આજથી ચાર મહિના ચાર્તુરમાસનો પણ પ્રારંભ થાય છે. પહેલાનાં સમયમાં આ ચાર માસ દરમ્યાન પ્રવાસ ન કરતા. જે જગ્યાએ માણસ હોય ત્યાં જ રહે. અને પ્રભુ ભજનમાં શાંતિથી સમય પસાર કરે. ચાર માસનાં અંતે કાર્તિકી એકાદશીએ રૂતુ પલટો થતાં ફરી સ્થળાંતર અને પ્રવાસ ઉપર લોકો નિકળતા.
અષાઢી એકાદશી નું વૈષ્ણવોમાં ખૂબ ગુણગાન છે. ભારતનાં મહારાષ્ર્ટ રાજ્યનાં પશ્ચિમમાં સોલાપુર ડીસ્ર્ટીક્ટમાં આવેલું પંઢરપૂર નામનું દેવસ્થાન સમસ્ત વૈષ્ણવોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.

અહીં “વિઠ્ઠલ” નામે શ્રી વિષ્ણુ ભગવાન દેવી રૂકમણી સહિત બીરાજે છે. ચંદ્રભાગા નદીને કિનારે આ દેવસ્થાન આવેલું છે. મહારાષ્ર્ટભરનાં સંતો મહંતો ની પાલખીઓ લઈને ભક્તો આજનાં દિવસે અહીં મોટી સંખ્યામાં અહીં આવે છે. આ “યાત્રા કરતા ભક્તોને” મરાઠીમાં “વારકરી” કહેવામાં આવે છે અને આ “યાત્રા” એ “એકાદશી વારી” તરીકે પ્રખ્યાત છે. યાત્રા દરમ્યાન સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વરનાં અભંગોનું વધારે ગાન કરવામાં આવે છે. લોખો લોકો પગપાળા પણ આ યાત્રાએ નીકળ્યા હોય છે.
પંઢરપુરમાં ભગવાનને કેમ પૂજવામાં આવે છે તેની પાછળ પણ એક રસપ્રદ વાત છે. ભગવાન વિઠ્ઠલ ભક્તવત્સલ છે. એમને પણ એમનાં ભક્તોને મળવાનું મન થતું/થાય છે. માટે એ મળવા પણ જતા/જાય છે. તો પંઢરપૂરમાં એમના એક ભક્ત રહેતા. નામ એમનું પુંડલીક. એક દિવસ ભગવાન પુંડલીકને મળવા આવે છે. એ સમયે ભક્ત પુંડલીક પોતાના માતા પિતાની સેવા કરતા હોય છે. માટે દ્વાર પર આવેલા ને માટે એક ઈંટ સરકાવીને (મરાઠીમાં ઈંટને વીંટ કહે) ત્યાં જ ઉભા રહેવાનું કહ્યું. અને ભગવાન ભક્તને કાજે એની રાહમાં ત્યાં જ રહી ગયા. એ પછી કહે છે કે અઠ્ઠ્યાવીસ(૨૮) યુગો બાદ પણ ભક્તવત્સલ વિઠ્ઠલ ત્યાં જ ઉભા છે. એનાં પરથી જ પ્રચલીત વાત છે “યુગે અઠ્ઠાવીસ(૨૮ ) વીંટેવરી ઉભા”.

આમ પંઢરપુરનાં પ્રવેશદ્વાર પાસે ભીમાનદી જેને ચંદ્રભાગા નદી(આકારનાં કારણે) પણ કહેવાય છે તેનાં ઘાટ પર ભક્ત પુંડલીકનું મંદિર પણ આવેલું છે.
વિઠ્ઠલ ભગવાનને “વિઠ્ઠોબા”નાં “હુલામણા” નામથી પણ સંબોધવામાં આવે છે. અને પંઢરપૂરને પંઢરી, અને પંઢરીપૂરમનાં નામે પણ ઓળખવામાં આવે છે.
આ ભક્ત અને ભગવાનની વાત પરથી મને વિચાર આવે છે કે..જો સાચી ભક્તિ હોય તો ભગવાન પોતે ભક્તનાં દ્વારે પધારે છે. અને બીજું કે ભક્ત પુંડલીક જો સેવા આવી નિષ્ડાથી કરતા હશે તો પ્રભુ પરની સેવા પણ એટલી જ નિષ્ઠાથી કરતા હોવા જોઈએ. અને માટે ભગવાન પણ તેમની રાહ જોવા રાજી થાય છે. અને ત્રીજું જો નિષ્ઠા હશે તો બધે જ ભગવાનનું ધ્યાન લાગશે અને એનાં દર્શન થશે.
આમ આજનાં દિવસે ભક્ત અને ભગવાનનાં મિલનનો એક અનોખો મહિમા પણ છે.
જય શ્રી હરિ, જય વિઠ્ઠલ
જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા..
-ધારાભટ્ટ-યેવલે