ફૂડ ઈઝ ગોડ્સ ગીફ્ટ

Posted on Updated on


હું બેઠા બેઠા પણ ખાસ્સું એવું ટ્રાવેલ કરી લઉં.. હહાહા..સાચ્ચે..જોવોને આજે બપોરે બેઠી’તી તો મને ‘અવની’ની યાદ આવી..(ના ના એ મારી બહેનપણી નહીં! ) રમઝાનનાં સંદર્ભે પણ ..મને કદાચ એ યાદ આવ્યા હોય!! અમે જ્યારે જોર્ડન ફરવા ગયેલા ત્યારે અવની એ અમારા ગાઈડ હતા. સાઉદીની બોર્ડર ક્રોસ કરીને જોર્ડનમાં પ્રવેશતા સૌથી પહેલું સુંદર શહેર આવે છે ‘અકાબા’. અમે અમારી પોતાની કાર લઈને ગયેલા અહીંથી. અકાબા પહોંચતા જ અમે અમારા ગાઈડ અવનીને મળેલા. સાંજ પડવા આવેલી અને અમારે સમય વેડફ્યા વગર આગળ નીકળવાનું હતું. માટે અમે એમને અમારી કારમાં લઈ પેટ્રા તરફ રવાના થયા. આગળ કોઈ સ્ટોપ લેવાનું ન હતું માટે એમને અમે પૂછ્યું જો એમને કંઈ ખાવા પીવા માટે જોઈતું હોય તો?! એમણે કહ્યું કે, એમને રોઝુ છે માટે કંઈ ખાવું પીવું નથી..પણ અમારે જોઈતું હોય તો અમે ખરીદી લઈ શકીએ છીએ. અમારી પાસે થેપલા, સુખડી ને ચવાણું હતું માટે અમે પણ કહ્યું કે, ના, આપડે આગળનો પ્રવાસ શરુ કરીએ અમારી પાસે ડ્રાય સ્નેક્સ છે. તો આમ અમે આગળનો પ્રવાસ શરુ કર્યો. કાર આગળ ડેસ્ટીનેશન તરફ વધી રહી હતી. સૂર્યાસ્ત થતાં અવની એ પાણી માંગ્યું સાથે થોડાં કેળા હતા એમાંથી એક કેળું એમણે ખાધું. અમે પણ થોડો નાશ્તો કાઢ્યો. ચા અને થેપલા કાઢ્યા. મને થયું અવની એમના રોઝાનાં સમયે કોઈનું ઓફર કરેલું ખાતા હશે કે કેમ?! એટલે મેં એમને પૂછ્યું! અને એમણે મને ઉત્તર આપેલો, ‘ફૂડ ઈઝ ગોડ્સ ગીફ્ટ!!’ કેવી સુંદર વાત!! મે રામ રામ કહેતા થેપલા બનાવ્યા હશે અને એમણે અલ્લાહ અલ્લાહ કહીને આરોગ્યા હતા. મારી પાસે બે પ્રકારનાં થેપલા હતા..તો મે એમને એક થેપલું આપ્યું. એ સમજીને કે પહેલાં ટેસ્ટ કરે અને ભાવે તો વધારે લે. અવની એ થેપલું ખાઈ તો લીધું પણ મોં લાલ લાલ અને અડધી બોટલ પાણીનું પી ગયા હશે!! એમનું મોં જોઈને મે એમને પૂછ્યું કે, કેવું છે?! તો કહે, નાઈસ, બટ સ્પાઈસી! એટલે મે એમને બીજું મોળું થેપલું આપ્યું સાથે ચાનો બીજો કપ પણ ભરી આપ્યો. આ વખતે એમણે ફરી થેપલું માંગ્યું અને ખાધું. બીજે દિવસે પણ માંગીને ખાધેલું.
આ કિસ્સામાં મજાની વાત મને એ વિચારીને લાગે છે કે..અજાણી વ્યક્તિ અવની, એને મળવાનું થાય, એને રોઝુ હોય, એ થેપલું ખાય..આ બધું તો થયું પણ નક્કી એણે કોઈ સમયે અમને થેપલું ખવડાવેલું હોવું જોઈએ..અને એમ નહીં તો અમારે હજુ પાછા ક્યારેક..કોઈક સમયે એનાં થેપલા ખાવાના છે..🤗!!
-ધારાભટ્ટ-યેવલે

Leave a comment