કેવડા તીજ

કેવડા ત્રીજ

Posted on Updated on


કેવડા ત્રીજ

ભાદરવા મહિના માં આવતી શુક્લ પક્ષ ની તીજ ને “કેવડા ત્રીજ” કેમ કહેવાય છે?
વડીલો પાસે થી સાંભળેલુ..

એકવાર બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે ચર્ચા ચાલી કે આ સમગ્ર વિશ્વ માં બન્ને માંથી સૌથી મોટા દેવ કયા? બ્રહ્મા કહે કે ‘હું મોટો!’ અને વિષ્નુ એ કહ્યુ,’હું મોટો!!’ વાદાકોદ વધતો ગયો ..એમાં અચાનક એક જ્યોતિ સ્તંભ પ્રગટ થયો! બન્ને આ જ્યોતિ સ્તંભ ને જોવા લાગ્યા. એનો ન આરંભ દેખાય ન અંત.  માટે બન્ને એ નક્કી કર્યુ કે,’જે આ જ્યોતિ સ્તંભ નાં આરંભ અથવા અંત ને શોધી લાવે એ દેવ મહાન. અને કોણ મહાન એ નક્કી થયા બાદ એકે જે મહાન બન્યા હોય તેની પૂજા કરવી. આમ વિચારી બન્ને નિકળી પડે છે! વારાહ રૂપે ભગવાન વિષ્ણુ પાતાળ તરફ ગયા અને હંસ સ્વરૂપે બ્રહ્મા આકાશ તરફ ગયા. બન્ને ખૂબ જ કોશિશ કરે છે જ્યોતિ સ્તંભ નાં છેડા ને શોધવાની પણ બન્ને નિષ્ફળ રહે છે. અને અંતે વિષ્ણુ ‘નેતિ નેતિ’ (ન આરંભ ન અંત)કહી ને પાછા ફરે છે. બીજી તરફ બ્રહ્મા ને પણ બીજો છેડો મળતો નથી. પણ એ વિચારે છે કે ‘પાછા ફરી ને હાર સ્વીકારવી પડશે જો આનો કોઈતોડ મળે તો કેવું?’ ઊપર આકાશ માં શિવજી આકાશ તરફ આવતા બ્રહ્મા ને જુવે છે અને વિચારે છે કે આ બન્ને કોને શોધવા નિકળ્યા છે? જેનો કોઈ આરંભ કે અંત નથી તેને? અને આ બન્ને ની બાલીશતા પર મલકાતા- મલકાતા માથુ હલાવે છે! એટલા માં શિવજી નાં માથા પર ચઢેલો કેવડો નીચે પડે છે! આ બાજુ બ્રહ્મા કેવડા ને નીચે પડતા જોવે છે અને આતુરતા થી પૂછે છે કે એ ક્યાં થી આવે છે? કેવડો ઊપર થી આવુ છુ એવુ કહે છે! કેવડો પણ બ્રહ્મા ને ક્યાં જઈ રહ્મા નુ પૂછતા બ્રહ્મા તેને આખી વાત કહે છે. અચાનક બ્રહ્મા ને એક ઊપાય સુજે છે અને એ કેવડા ને વિષ્ણુ સમક્ષ જ્યોતિ સ્તંભ જોયા નો પોતાનો સાક્ષી બનવા નુ કહે છે!  અને આમ બ્રહ્મા નુ કહ્યુ કરવાથી કેવડા ને પણ મહાનતા પ્રાપ્ત કરાવવા નું વચન આપે છે! કેવડો જુઠું બોલવા ની ના તો પાડે છે પણ મહાન બનવા ની લાલચ માં ફસાઈ જાય છે.

કેવડો અને બ્રહ્મા વિષ્ણુ ને મળે છે અને કેવડો ખોટી સાક્ષી પૂરાવે છે! વિષ્ણુ ને બધુ જાણતા હોવા છતા માનવુ પડે છે. અને બ્રહ્મા ની પૂજા આરતી ની તૈયારી શરૂ કરે છે! ધર્મ ને ચિંતા થવા લાગી કે સૃષ્ટિ ની શરૂઆત માં જ જો અસત્ય,છળ અને કપટ કરનારા દેવ જો પૂજાવા લાગશે તો સત્ય નો મહિમા નાશ પામશે માટે ધર્મે શિવજી ને પ્રગટ થવાની પ્રાર્થના કરી. ભગવાન શિવ જ્યોતિ માં થી પ્રગટ થઈ ને બ્રહ્મા તથા કેવડા પર ક્રોધિત થાય છે. બ્રહ્મા ને શ્રાપ આપે છે કે, અસત્ય આચરવા ને કારણે બ્રહ્મા એ રચેલી પૃથ્વી પર તેમને ન  કોઈ પૂજશે ન કોઈ મંદિર બંધાશે, અને કેવડા ને ભગવાન શિવે દંડિત કરવા તેનો ત્યાગ કર્યો. આમ ધણી લાંબી કથા શિવ મહાપુરાણ નાં સૃષ્ટિ ખંડ માં છે, પણ ટૂંકાવી ને કહુ તો, શિવજી નાં વચન થી કેવડો દુખી થાય છે અને ભગવાન ની ક્ષમા માંગે છે. અંતે દયાળુ શિવ એને વર્ષે એક વાર ગ્રહન કરવા નું માને છે. અને વરદાન આપે છે કે યુગો પછી જ્યારે નારદ મુનિ માતા પાર્વતિ  શિવજી ને પતિ તરીકે પામવા નું ત્રીજ નું વ્રત  કરવા નુ કહેશે અને પાર્વતીજી ભૂલ થી કેવડા ને ત્રીજ નાં દિવસે પૂજા સામગ્રી સાથે ચડાવશે ત્યારે શિવજી ફરી તેને અપનાવશે. વિષ્ણુજી ને સત્ય બોલવા માટે પૃથ્વી પર દેવ તરીકે પૂજવા નાં આર્શિવાદ પ્રાપ્ત થાય છે. વિષ્ણુજી બન્ને ને માફ કરવા નું પણ કહે છે. અને શિવજી એ ત્યજેલા કેવડા ને અપનાવે છે.

આમ શિવજી ના કહેવા અનુસાર યુગો બાદ એવુ જ બને છે અને પાર્વતિજી ત્રીજ નુ વ્રત કરે છે. અને એ વ્રત એ આજ નો દિવસ,’કેવડા ત્રીજ’. મહારાષ્ર્ટ, યુ.પી અને બિહાર માં આનુ ખૂબ મહત્વ છે. મહારાષ્ર્ટ માં આ વ્રત ને હરિતાલિકા વ્રત કહેવાય છે. ધણી બહેનો માઁપાર્વતીને અનુસરીને આ વ્રત વિધિ વિધાનથી ભગવાન શિવનાં આર્શીવાદ મેળવવા ખૂબ જ શ્રધ્ધા સાથે કરે છે. વ્રત અનેક પ્રકારે લાભદાયી છે.

આપડા પુરાણો આપણ ને કેટલુ બધુ શીખવે છે. અસત્ય, છળ,કપટ કદી સફળ નથી થતા. ક્ષમા દાન એ સૌથી મોટુ દાન છે. અને ભગવાન ફક્ત ‘સત્ય’ સાથે જ છે.

—ધારાભટ્ટ-યેવલે