રામ રામ

રામ નામ રસ ભીની..

Posted on Updated on

રામ નામ રસ ભીની..

ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની,દાસ કબીરને ઐસી ઓઢી, જ્યુ કી ત્યું ધર દીનીચદરિયા જીની રે જીની, યે રામ નામ રસ ભીની , ચદરિયા જીની રે જીની..

આજે રામ નવમી છે. અને આનાથી વધારે સારો દિવસ કયો હોઈ શકે રામને યાદ કરવાનો, રામને યાદ રાખવાનો, રામને તન મન અને અંતરમા ઉતારવાનો!! નાનપણથી  મને કુદરતી રીતે જ રામનામનો મોહ હતો..”રામ” અને “રામાયણ” મને ખૂબ પ્રિય..નાનપણમાં તો બહુ ખબર ન પડતી પણ રામ નામ પડતા જ એક મનમા અલગ ભાવ આવે..સારો ભાવ, સુખનો ભાવ, પ્રેમ નો ભાવ, ધાર્મિક ભાવ, પવિત્રભાવ, સકારાત્મક ભાવ..એક પ્રકારે સંતોષનો ભાવ..અને કહે છે ને કે જેને જે પ્રકારે જોઈતુ હોય એને એ પ્રકારે ભગવાન અપાવી દે છે.. એમ મને પણ રામ કોઈના કોઈ પ્રકારે મળતા રહ્યા..ક્યાંક ભજનોમા તો ક્યાક કથા સ્વરૂપે તો ક્યાક સ્વયં રામચરિતમાનસમાં! અને દરેક વખતે એમાંથી કાંઈકને કાંઈકને નવીન જ જાણવા મળ્ચુ! હજુ પણ આ ક્રમ ચાલુ છે અને આગળપણ ચાલતો રહેશે. પણ શરૂઆતની વાત કરુતો એ રામનામ એ અજાણતા, અજ્ઞાનતા અને રટણથી શરૂઆત થયેલી..મતલબ કે કોઈ ગાય છે, કોઈ સંભળાવે છે, કોઈ ચર્ચા કરે છે, કોઈ સત્સંગમાં વર્ણન કરે છે તો કોઈ વાર જપાય છે, કે પછી રામનામની ચોપડીમા બસ લખાય છે..અને પછી આટલુ થતા થતા આગળના બધા જ અજ્ઞાનતાના “અ” ધીરે ધીરે ભૂંસાતા ગયા અને સાચી રીતે એને જાણતા થયા, જ્ઞાનથી માનતા થયા અને સાચા રટણને આ જીવનની ચોપડીમાં ઉતારતી થઈ!

રામ રામ રામ.. રામ ક્યા નથી?! જન્મતાની સાથે “રામ” બોલાય છે પૂજાય છે, કોઈ ઘેર આવે તો “રામરામ” કહેવાય છે, કોઈ ઘેરથી જાય તો વિદાયવેળાએ પણ “રામરામ” કહેવાય છે, શોકમા, દુખ-દર્દમા પણ આપડે “રામ રામ”, બોલીએ છીએ, હરખમાં, ખુશીમાં, પરિશ્રમમાં,પુરુષાર્થમાં, પ્રેમમાં..જીવનના છેલ્લા શ્વાસમાં અને પ્રવાસમાં..સર્વમાં બસ રામ રામ અને રામ જ છે! આપણી સંસ્કૃતિની શરૂઆત મધ્ય અને અંતમાં, આપણા રોમેરોમમાં, બધે જ રામ વસેલા છે! એને જાણી લીધા પછી બીજુ જાણવાની જરૂર જ શી?!

તુલસીદાસજી કહે છે કે, “ર” “આ” અને “મ”, એટલે કે સૂર્ય, અગ્નિ અને ચંદ્રમા. રામ એ દિવસ અને રાત્રી,  સૂર્યની કિરણની જેમ પૂર્ણ જગત ઉપર વિધ્યમાન છે. રામ થકી આ જગત પ્રકાશમાન છે..બહાર અને ભીતર.

માટે રામનામની જડીબુટ્ટી ને પ્રેમથી આરોગો, અને એનો પ્રકાશ અંદર-બહાર આપોઆપ જ ફેલાતો રહેશે.

રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતા-રામ..

– ધારા ભટ્ટ- યેવલે

Advertisements